રંગ છે રવાભાઈને

રતીનાં અમી અને માણસાઈનાં પાણી હજુ શોષાઈ નહોતાં ગયાં તે સમયની આ વાત છે. સવંત ઓગણીસસો અને સોળનો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો. ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળીભોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળુ જુવાર અને રજકાની લીલી ઓઢણીમાં શીળપની લહેર માણતી હતી. કણબીની નાનકડી દીકરીઓ ગાજર, મૂળા કે મગની કૂણી શીંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મદઝરતે સાદે ગાતી હતી —

કિયા ભાઈના કૂવા કરે કીચુડિયા રે
કિયા ભાઈની વાડિયું લેરે જાય
આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!

રામનવમીનો રૂડો દિવસ છે. લીલી સીમમાં માનવીનો બોલાશ નથી. ખેડૂતોએ અગતો પાળીને ધોરીને પૉરો દીધો છે, અને પોતે સહુ ઉપવાસ રહીને ગામના ઠાકરદ્વારમાં રામજન્મનો ઉત્સવ કરે છે; આખી સીમ સૂની પડી છે.

એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહોરે એક ફૂટતી મૂછોવાળો ઘોડેસવાર વરતેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો ને રાંગમાં ફૂલમાળ ઘોડી રમાડતો ચાલ્યો જાય છે. ટોયાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જાંબલી ડોકની ભાત્ય પાડતા ચણે છે. વરતેજનાં આંબાવડિયાંની સાખો ચાખતી કોયલો ડાળે ડાળે હીંચકે છે. આવું સોને મઢ્યું સવાર, આવાં મહેકતાં આંબેરણ, ઊંચા ઘાટા ચાસટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન, અને દેવપંખીના ટૌકાર : પણ ચૈત્ર મહિનાની આ છલકાતી શોભામાં ઘોડેસવારનું મન નથી.

“હાંક્યે રાખો, ભાઈ! હાંકો ઝટ, બાપા! જોજો હોં , ક્યાંક રામનોમ રસ્તામાં નો કરવી પડે!” પોતાની સાથે ખોરડાં બાંધવાના કાટનાં બે ગાડાં હતાં, તેનાં હાંકનારને રજપૂત આમ ટોકતો આવે છે. ગાડાં કડકડતાં ભર્યાં છે. એક ગાડું મૂળુ પરમાર નામનો રજપૂત હાંકે છે અને બીજે ગાડે જગો મકવાણો નામનો કોળી બેઠો છે.

વરતેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા અંબાની નજીક આવે છે ત્યાં રજપૂતે જોયું કે પચીસ-ત્રીસ ઉતારુ ભરીને બીજાં ત્રણચાર ગાડાં ચાલ્યાં જાય છે. સ્ત્રીપુરુષોનો આવડો મોટ સંઘ જાતો જોઈને અસવારે ઘોડીની લગામ જરા ઢીલી મૂકીને ચાલ્ય વધારી. પલકવારમાં તો આંબી પણ ગયો.

આઘેથી એણે સંઘને ઓળખ્યો. લાગ્યું કે આ તો આપણા ગામના ગોરધન શેઠ; અને ઓલ્યા રહ્યા એ તો દડવાના ચાંપશી શેઠ.

ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો : “ઓહોહોહો! આ તો આપણા રવાભાઈ : આ તો બાપુ! આવો! તમે ક્યાંથી? જે સ્વામીનારાયણ!”

“જે સ્વામીનારાયણ, ગોરધન શેઠ! ચાંપશી શેઠ, જે સ્વામીનારાયણ!” રવાભાઈએ જવાબ વાળ્યો: “આપણા ઓરડા ચણાય છે તે એના સારુ કાટ લેવા હું ભાવનગર ગયો’તો”

“ઠીક થયું, ઠીક.” બે-ત્રણ શેઠિયા બોલ્યા: “અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા’તા ત્યાંથી આજ ઘેર જઈએ છીએ. સાથે પાંચ-સાત હજારનું જોખમ છે. સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાથ થયો.”

“હા ભલે! જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલશું; પરંતુ મારે હોશિયારી રાખવી પડશે.” એમ કહી રવાભાઈએ પોતાના કાટનાં ગાડાં આગળ કર્યાં, વચમાં વાણિયાના ગાડાં રાખ્યાં અને પોતે ઘોડેસવાર થઈ પાછળ ચાલ્યા.

નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે કાળિયે આંબેથી બે હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે. એને જોઈને રવાભાઈએ પૂછ્યું: “કાં ભાઈઓ! તમે ક્યાં જાવ છો?”

સિંધીઓ બોલ્યા: “આ સરહદનો અમારો જુંબો છે. કોઈ વટેમાર્ગુ સાથે જરજોખમ હોય તો અમારે તેમની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે.”

આવો જવાબ મળ્યા છતાં રવાભાઈ ને શંકા તો રહી ગઈ. એણે કહ્યું: “તેમ હોય તો ભલે; પણ અમને તમારી જરૂર નથી. કારણ હું રજપૂત – ગરાસિયો છું અને સાથે છું, માટે તમે તમારે ખુશીથી પાછા વળો.”

પણ વાણિયા બોલ્યા: “એક કરતાં બે ભલા; માટે, રવાભાઈ બાપુ, ભલેને ઈ યે સાથે આવે.”

રવાભાઈએ વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસાલાએ આગલ ચાલવા માંડ્યું.

રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પચ્છેગામના દેવાણી ભયાત વડોદ (દેવાણી)ના ભાગીદાર હતા. સૌ ભાવનગરથી આવતાં કાળિયા આંબા આગળ સાથે થયા હતા.

રોંઢો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચોગઠ અને ડભાળીયા ગામ વચ્ચે કાળીસર નદી ઊતરીને સૌ સામે કાંઠે ચડ્યા. તે જ સમયે રવાભાઈની ચકોર અને વહેમીલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા. પ્રથમથી જ આ રજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો, એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી અવળી નજર ફેરવી. ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા. એક તો પ્રથમથી જ સાથે ચાલતા બે હથિયાર બંધ માણસો વિષે એને વહેમ હતો જ; અને તેમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ જુંબેદાર નથી પણ આ વાણિયાઓ ઉપર હેરુ છે. ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ ધારીને પોતાની ભેટ કસી, તરવારની કોંટી છોડી, હોશિયાર થઈ, શું થાય છે તે જોતાં રવાભાઈ ચુપચાપ આગળ ચાલ્યા.

આડે માર્ગથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે ભળી ગયા અને ચારે જણાએ, જેવા ગાડાં ઢૂંકડાં આવ્યાં તેવા જ રસ્તા વચ્ચે ઊભા રહી પડકારો કરીને ગાડાં ઊભા રખાવ્યાં અને કહ્યું: “અમને આમાં અફીણ હોવાનો શક છે; માટે આ ગાડાંઓની ઝડતી લેવા દ્યો.”

Please Watch

રંગ છે રવાભાઈને  Video

ગાડાં અટક્યાં એટલે રવાભાઈ ચેતી ગયા. પોતે ઘોડી ઉપરથી ઊતરી, પોતાના બન્ને ગાડાંવાળાને સાથે લઈને આગળ આવ્યા અને ઝડતીને બહાને ગાડાં અટકાવ્યાનું જાણી આગળ ઉભેલા શસ્ત્રધારીઓને નરમાશથી કહ્યું : “ભાઈઓ! આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો; પરંતુ આમ વગડામાં અંતરિયાળ ઝડતી ન હોય. માટે કોરે ખસો અને ગાડાં હાલવા દ્યો.”

આટલું કહેતાં કહેતાં જુંબેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માયલો એક બોલ્યો: “દરબાર! તમારા કાટનાં ગાડાંની ઝડતી નથી લેવી; માટે તમે તમારાં ગાડાં હાંકીને હાલતા થાઓ. અને આ બીજાં ગાડાંઓની ઝડતી તો લેવી જ પડશે.”

રવાભાઈ આ પ્રપંચ પામી ગયા. સાથે ચાલતા બન્ને આદમી જુંબેદાર નહિ પરંતુ આ લૂંટારુ ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી. પોતે બોલ્યા: “ભાઈઓ, આ બધાંય ગાડાં મારાં છે. કાટનાં ગાડાં કાંઈ નોખાં નથી. તમારી મતલબ હું જાણી ચૂક્યો છું. પણ ભાવનગરની જમણી ભુજા ભા દેવાજીનું નામ તમે જાણો છો ને? તેનો હું વારસદાર છું. મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહિ જ પડે. મારા કુળની ખાનદાની અને શૂરવીરતાની શાખ ઉપર આ સૌએ મારો સાથ કર્યો છે. એટલે મારે તો આંહી ખપી ગયે જ છૂટકો છે. માટે હજી હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ, જાળવો, અને અમને જવા દ્યો. આજે રામનવમી છે; મારા મોંમાં નકોરડો અપવાસ છે, નાહક મારા જીવને ક્લેશ થશે માટે કોરે ખસી જાવ!”

લૂંટારાઓએ એકબીજાની સામે જોયું, પોતાની સિંધીભાષામાં એવું કાંઈ બોલ્યા કે ‘આટલા બધામાં ફક્ત આ એક જ છે.’ એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છુટ્ટો ઘા કર્યો; પણ સમયસૂચકતા વાપરી એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ બોલ્યા: “ભાઈઓ! હું એકલો છું; વળી ઉપવાસી છું; દુશ્મનો વધારે છે. તમે ફક્ત મારી પીઠ સંભાળજો, બાકી તો સ્વામીનારાયણ સહાય કરશે.” એટલું બોલીને રવાભાઇ એ તલવાર ખેંચી.

વાણિયા તો સૌ બીકથી દૂર ખસી ગયા, સાથેના રજપૂતોમાંથીય રજપૂતાઈની રજ ઊડી ગઈ. પણ જગો કોળી હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછળ આવી ઊભો. આ બધું એક પળમાં બની ગયું.

ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારાઓ વધારે ખિજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એકે જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો. રવાભાઈ જરા પાછળ હઠી ઘા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા કાડાં ઉપર બીજો સખત ઘા પડ્યો.

એક તો પોતાનો નકોરડો ઉપવાસ હતો, તેમાં પાછા હઠતાં ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો; એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર પર દુશ્મને તરત જ લાગ જોઈ બીજો ઘા કર્યો. પરંતુ ઘણી જ ચપળતાથી એ ઘા ચુકાવી, પડતાં પડતાં, રવાભાઈએ જોરથી તલવારનો લેખણવઢ ઘા કરીને એકને જમીનદોસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા. એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો, તે પોતાના માથામાં વાગ્યો; પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મનને તો પોતે ઠાર કર્યો. આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો; એટલે બાકીના દુશ્મનો નાહિંમત થઈ ગયા અને બન્ને લાશો ઉપાડી જીવ લઈ નાઠા. []

રવાભાઈની પીઠના કેટલાક ઘા તો જગા કોળીએ ‘આડા’ ઉપર ઝીલી લીધા હતા. તોય વાંસામાં તથા હાથે એમ બેત્રણ ઘા અને માથામાં એક સખત ઘા લાગેલાં જ; છતાં રણે ચડેલો રજપૂત હાથમાં ખુલ્લી તલવારે દુશ્મનોની પાછળ દોડ્યો. ત્યાં તો વાણિયાઓ વગેરે દોડીને દરબારને પકડી લીધા. કેટલીય વારે માંડમાંડ શૂરવીરતાનો ઊભરો શાંત થયો, ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર રવાભાઈને પડી.

રવાભાઈ સ્વામીનારાયણના પાકા ભક્ત હતા. પોતે જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ, એટલે તરત જ સૌને કહી દીધેલું કે ‘મારા પ્રાણ જાય તો ભલે, પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહિ.’

બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બેશુદ્ધ થવા લાગ્યા. એક ગાડું ખાલી કરાવી રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા.

મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા : રવાભાઈની માતાને દીકરો ઘવાયાની ખબર પડી. માતાએ મોઢામાંથી દુઃખનો એક ચૂંકારો ન કાઢ્યો, પણ એણે તો એટલું જ કહ્યું :

“મારા દીકરાનું ગમે તે થાય, પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવોભા જીવતો છે એમ જ હું સમજું છું. અને મારી તો આજ રામનોમ સુધરી.”

આ શૂરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંતસિંહજીને મળી ગયા. તેમણે ખાસ વડોદ કહેવરાવ્યું કે ‘રવાભાઈ સાજા થાય ને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો.’ બે માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું, ત્યારે મહારાજાએ સોનાની મૂઠની તલવાર તથા સોનેરી શેલું ભેટ મોકલ્યાં, ભારે શાબાશી આપી, શૂરવીરતાની કદર કરી.

આ વર્ષ પછી કેટલેક વર્ષે ભાલપ્રદેશના એક ગામમાં ચોરે દાયરો મળ્યો હતો. નવાબખાં જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો. જમાદાર દાયરાઓમાં બેસવાવાળા એટલે અફીણનાં બંધાણી હતા. ચોરે કસુંબો નીકળ્યો. જમાદારે કસૂંબો લેતાં પહેલાં છાંટાનાખી ‘રંગ છે રવાભાઈ રજપૂતને’ એમ રંગ આપી કસૂંબો લીધો. સૌએ પૂછ્યું : “રવાભાઈ કોણ?”

જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી :

“ભાવનગર રાજના ભાલ-પંથક્નો હું જમાદાર હતો. રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો. ત્યાં કેટલાક વાણિયાઓ પાંચસાત હજારના જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી. અમે છ જણાની ટોળીએ તેમનું હેરુ લીધું. બે જણા વાણિયા સાથે જુંબેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા. કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું. એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રજપૂત તો એક રવોભાઈ! ત્યારથી હું રવાભાઈ રજપૂતને રંગ આપ્યા પછી જ કસૂંબો પીઉં છું અને અલ્લાહ પાસે મારા ગુનાહની તોબા પોકારું છું.”

આ વાત બન્યાને આજે [૧૯૨૩માં] ૬૩ વર્ષ થયાં છે.

ઝવેરચંદ મેઘાણી

રંગ છે રવાભાઈને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *